બાપા કાગડો... હા બેટા કાગડો

એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે.

આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે:

"બાપા જુઓ આ કાગડો.."

વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય:

"હા બેટા કાગડો..".

આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે:

"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો"

વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા.

દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું:

"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો".

દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો.

=> ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ-મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઇ જઈએ અને મા-બાપ ઘરડા થઇ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.


ચતુર માજી

એક ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાં. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.

એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:

"હું તો ઘણી ઘરડી છું. ઘણી દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું ખાવા દે. તાજી - તંદુરસ્ત થવા દે. પછી મને ખાજે".

સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દૂબળા-પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહિ મળે. માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા.

રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા.

દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતાં હતાં કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા.

જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પુછ્યું:

"તેં પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે?".

ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો:

"કઈ માજી? કયું ગામ? ચાલ કોઠી આપણે ગામ...".

આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.

ચતુર માજી સહી-સલામત પોતાને ઘરે પહોંચી ગયા.